Monday, 20 February 2017

પહેલી_વાર્તા ~ અપૂર્ણ

#પહેલી_વાર્તા :

જમણા હાથના અંગુઠા ને પહેલી આંગળી વચ્ચે વળેલો કાગળ હતો. જે ડાબા હાથની આંગળીથી એ ચકરડી ની જેમ ફેરવતો હતો.
 મોં પર ન સમજાય તેવા ભાવો હતાં. હેનરીએ ઘડિયાળમાં જોયું 1 વાગીને સત્તર મિનીટ થઈ હતી. કોઈ કામ ન હોવાથી ઘડિયાળમાં જોવું એ પણ નિરર્થક હતું એનાં માટે. ફરીથી તેને એ જ દિશામાં નજર માંડી. હજુ પણ એ કેન્ટીનમાંથી બહાર નહોતી આવી.

અમુક ક્ષણો પછી એ જ બન્યુ જે એણે વિચાર્યું હતુ. એ નીકળી. ગેટની ડાબી તરફના જલદી નજરેના ચડે એવાં બાંકડા પર બેઠો હોવાના કારણે પોતે એને દેખાયો નહોતો. એ જતી રહી. હુ ત્યાં તેની પાસે જ વધું બેઠો હોત તો સારૂં હતું. મનોમન વિચાર્યું.

જો કે એ મળી એજ પુરતું હતુ. એને જાતને દિલાસો આપતાં વિચાર્યું. આમ પણ પ્રતિકૂળ સંજોગોમાં જાત જ સાથે હોય છે ને પોતાના નિશ્વાસ જે દિલાસાઓ રૂપે પડઘાતા હોય છે. કેવો મજાનો અહેસાસ હતો. એનો અવાજ , બોલવાની ઢબ બધુ એટલે બધું જ અવિસ્મરણીય.

 હેનરી ભૂતકાળમાં સરી પડ્યો :

ગઇકાલે જ મળવા માટે એણે હા પાડેલી. કેટલા સમયથી એ મળવાના ઇજનને નકારતી હતી. હુ આ શહેરમાં છ થી વધું વાર આવી મળ્યા વગર જ નિરાશ થઇ પાછો જતો રહેલો. જ્યારે બધો આધાર સામે વાળી વ્યક્તિ પર હોય ત્યાર સુધી માનવી અસહાય જ હોય છે ને. ફરી વિચારોની હારમાળા. બાકી હુ એટલે દૂરથી અહિં આવુ જ નહીં ને? પોતાના સ્નેહ પાછળ છુપાયેલા સ્વાર્થે ડોકિયું કર્યું.

સતત બે દિવસની મુસાફરી બાદ હેનરી સમય સાચવી શકે એવી સ્થિતીમા  નહતો. એકધારી રાત્રિની મુસાફરી કર્યા પછી હવે ઊંઘવાનો વખત પણ નહોતો એની પાસે.સવારે મિત્રની રૂમ પર તૈયાર થતાં આજ સુધીમાં સૌથી વધું સમય અરીસા આગળ ઉભો હતો. આછું સ્મિત એની ખુશીઓની ચાડી ખાતું હતુ. આ કલર એને ગમશે કે નહીં ??? એવું ક્ષણિક મનમાં આવી જતું રહ્યુ. વધું વિચારવાનો સમય નહોતો. આજ લગી હેનરી આટલો ખુશ ક્યારેય જણાયો નહોતો. આજે પોતે પણ પોતાના બદલાવ ને મહેસુસ કરતો હતો. જેક હુ નીકળું છું. આવુ પરત. આમ કહી એ નજીકના રોડ પર પહોંચ્યો.

ટેક્ષી વાળા ને કહ્યું યુનિવર્સીટી લઇ લે. હા, સાહેબ. સાહેબ ના કહો વડીલ. મને એ નથી ગમતું. હેનરી એ અણગમો દર્શાવ્યો. અણગમા પાછળ એનાં જીવનનું અર્ક હતુ શાયદ. કોઈ અહીં કાયમી ક્યાં હોય છે ? કેટલાય સાહેબો ની રાખ થઈ ઊડ્યા કરે છે આસપાસ અથવા દફન થઈ ગયા હતા જે જમીન પર એ ફર્યા હતાં , જીવ્યા હતાં. એનો જ એક ભાગ બની ગયા હતા. ક્યાંના સાહેબ ? શાના સાહેબ ? મલકાટ પૂરો થયો. મન પણ ક્ષણો ચોરી આરામ પર ઉતરી આવ્યું.

આવી ગયા. રીક્ષાવાળા ભાઈ એ સહજ બોલ કહ્યા. રકમ ચૂકવી વધેલા બાકી લેવાના રૂપિયા રીક્ષાચાલક ને જ રાખી લેવાનું કહી એ ઉતર્યો. આજુબાજુ વાહનોમાંથી નીકળતો કર્કશ અવાજ આજે એને તકલીફ નહોતો આપતો. કારણ અને સ્થિતીઓ જ કૈંક એવી હતી. પોતાની પ્રેમાળ ને મળવાનું હતું. એક અરસા પછી. મનનો થનઘનાટ એ ખૂબ જ સારી રીતે અનુભવતો હતો.

ત્યાં નજીકની એક દુકાન પર જઈ પાણી પીધું. ગામડાંના એનાં બુઝુર્ગ યાદ આવી ગયા. જે પાણી પણ પૈસાથી મળે છે એવું સાંભળ્યા પછી હંમેશા આશ્ચર્યમાં મુકાતા અને ખિન્ન થઈ કહેતાં : ' હજી કેટકેટલું જોવું પડશે ભગવાન એવું બોલતાં. '

પણ આજે સમય નહોતો એ બધુ વિચારી એમાં ખોવાઈ જવાનો. એક છોકરી રાહ જોઇ રહી હતી.

એને નજીકથી પસાર થતા એક ભાઈને પુછ્યું કેન્ટીન...? હાથના ઈશારા સાથે કહ્યું ભાઈ આગળથી જમણે વળી જજો. ત્યાં જ છે કેન્ટીન. આભાર માની એ મંજિલ તરફ આગળ ધપ્યો. શૂન્યમનસ્ક. જીવાતા અમુક સમયમાં ખાસ પ્રસંગોએ પણ આવું બનતું જ આવ્યુ છે. કોઈ વિચાર નહીં. શાંત બધું જ. ત્યાં જ કેન્ટીન નજરે પડે છે , તેની ચાલવાની ઝડપ વધી. મંજિલ જ્યારે નજીક હોય ત્યારે ખૂબ ઝડપી તેને પામવાની વૃત્તિ મનુષ્યમાં સહજ છે.

કેન્ટીન પહોંચતા જ હેનરીની આંખો માત્ર પેલી છોકરી ને જ શોધતી હતી. ત્યાં....

#અપૂર્ણ_1/2
#પહેલી_વાર્તા

Friday, 10 February 2017

શેરલોક હોમ્સ ~ સર આર્થર કોનન ડોયલ

શેરલોક હોમ્સ
સર આર્થર કોનન ડોયલ
અનુવાદક : રમણલાલ સોની
શેરલોક હોમ્સ કાલ્પનિક પાત્ર છે, પણ એ પાત્રે વાચકોના ચિત્તમાં તે સાચું હોવા જેવી ભ્રમણા પેદા કરી છે. આજે પણ હોમ્સના કેટલાયે ચાહકો લંડનની બેકર સ્ટ્રીટમાં હોમ્સનું નિવાસસ્થાન શોધે છે !
હોમ્સની આ કથાઓ કિશોર કિશોરીઓ થી માંડી વૃદ્ધ વૃદ્ધા સુધી સૌને એકસરખો આનંદ આપે છે. આ વાર્તાઓની લોકપ્રિયતા દશકાઓથી એવી ણે એવી અતુટ હોવાથી અનેક રૂપરંગઆકારમાં એની નવી નવી આવૃતિઓ પ્રગટ થતી રહે છે !
એક અંગ્રેજ વિવેચકે આ વાર્તાઓને સો ટકા દર્દશામક કહી છે. ફરી ફરી વાંચવી ગમે તેવી આ વાર્તાઓ છે. વાર્તાનો પકડ શરૂઆતથી જ અનુભવાય છે ; ધીરે ધીરે કોયડો ગૂંચવાતો જાય છે , વાર્તા અતિ જટિલ રહસ્યમય બનતી જાય છે અને પછી એનો એક એક ધાગો ખૂલતો જાય છે !!!